એક પારેવું મારી કોઈ ડાળીએ બેઠું
એક પારેવું મારી કોઈ ડાળીએ બેઠું
એક પારેવું મારી કોઈ ડાળીએ બેઠું, ને પછી ડાળીમાં ફૂટી વસંત,
ટહુકાઓ મનગમતા મીઠા ખર્યાં, ને હું તો આકાશે ઉડું અનંત.
ઈચ્છાઓ, શમણાંઓ સૂકવીને રાખું, મારી ભીતર ન પહોંચે ભીનાશ,
એણે આવીને જરા છાંટા શું પાડયા કે મને શ્વાસોની વળગી લીલાશ,
મારે તો એને હવે આપવો’તો ઠપકો, પણ મને આડા આવે છે સંબંધ,
એક પારેવું મારી કોઈ ડાળીએ બેઠું, ને પછી ડાળીમાં ફૂટી વસંત.
ઝૂલતા’તા ડાળે જે સપનાના હિંચકાઓ, નીકળ્યા સાવ કોરા કટ પાના,
પાંખો ફફડાવી પેલા પારેવે જોયું ને ભીતર ઉડ્યા છે રંગો મજાના,
શબ્દો તો કોઈ મને મળતા નહિ ને હવે સંભળાયા ધકધકતા છંદ,
એક પારેવું મારી કોઈ ડાળીએ બેઠું, ને પછી ડાળીમાં ફૂટી વસંત.
આંખો માંડીને હવે જોતા ક્યાં રહેવું ? મારી આંખોમાં ઉતર્યો’તો થાક,
વરસ્યા જે વ્હાલ એની આંખોમાં તરવરી, હવે ખોવાયા મનના સંતાપ,
બાંધેલી ગાંઠોને જો છોડી નાખું તો બધે પ્રસરે છે ગમતી સુગંધ,
એક પારેવું મારી કોઈ ડાળીએ બેઠું, ને પછી ડાળીમાં ફૂટી વસંત.