સજન, આંખો તો બોલે તમામ
સજન, આંખો તો બોલે તમામ


આંખોને ખૂણે કંઈ ગોઠવી અજાયબી ને ગોઠવ્યા કંઈ ગુલાબી નામ,
સજન, આંખો તો બોલે તમામ..
રસ્તામાં રોકેલી નજરોને આમ તમે પલકારા ભીતર છૂપાવો,
તોય એ વેત ભરી માપેલું વ્હાલ જો ને પાંપણને કિનારે લાવો,
અળગા રહીને તમે ચાલો ને તોય એ લજ્જાથી આપે સલામ,
સજન, આંખો તો બોલે તમામ..
આંખોને ક્યાં હવે ભોગવવી પીડા ને શોધવાનું ક્યાં સરનામું ?
એને તો ગેલભર્યું ગમતીલું હસવું ને ભીંજાતા જોવાનું સામું,
અડધું કંઈ ઝૂકે ને અડધું ઝબુકે, આ આંખોના એવા દમામ,
સજન, આંખો તો બોલે તમામ..
અંતરના ઓરતાને મહેફિલમાં છાંટે ને ઘૂંટેલી ભાવના બતાડે,
છૂપા કોઈ ખિસ્સામાં ગોઠવેલી ચિઠ્ઠીઓ બોલીને જો ને બગાડે,
આંખો તો વ્હાલ ભર્યો ઠપકારો આપે અને આપે કંઈ મોઘાં ઈનામ,
સજન, આંખો તો બોલે તમામ.