આપણે તો ભીંજાવું
આપણે તો ભીંજાવું
આપણે તો ભીંજાવું સોસરવું સોસરવું, જેમ ભીંજાયે પાંદડાને વેલ,
આપણે તો લથપથતા નીતરવું અંગોમાં, જેમ નીતરતી આભલાની હેલ,
ધગધગતા પાણા પણ ઝીલ થઈ બેસે ને રેતી પણ રેલાવે પૂર,
એવા એ મોસમમાં આપણે તો અંગો પર લીલાંછમ ફૂટે અંકુર,
ધારધાર વરસીને મૂકવાની દોટ જાણે નદીયુંમાં આવેલી ગેલ,
આપણે તો ભીંજાવું સોસરવું સોસરવું, જેમ ભીંજાયે પાંદડાને વેલ..
તગતગતા શ્વાસ પણ મહોરી દે મંજરી અને રૂંવાડે-રૂંવાડે શાતા,
હુંફાળું-હુંફાળું વરસેલી મોસમમાં આપણે તો છો ને ઉભરાતા,
પાંપણના પડદા પર ચીતરેલો જડતો કો’ સપનાનો લાખેણો મહેલ,
આપણે તો ભીંજાવું સોસરવું સોસરવું, જેમ ભીંજાયે પાંદડા ને વેલ..
કંદરાની કાળમીંઢ ઊંડી તિરાડોમાં ઊગી-ઊગીને ફૂલ બેસે,
સૂતેલું યૌવન પણ આળસ મરડીને કોઈ સૂકાભઠ્ઠ પાંદડામાં પેસે,
ફાટ-ફાટ છલકાતું સરવર બે આંખોનું, આભલું કોઈ લાગે ચિતરેલ,
આપણે તો ભીંજાવું સોસરવું સોસરવું, જેમ ભીંજાયે પાંદડા ને વેલ.