કાગળ લખું
કાગળ લખું
નામ- સરનામા વિનાનો કોરો લે; કાગળ લખું;
થાય છે કે લે તને પણ થોડી તો અટકળ લખું.
આટલો લાંબો સમય આશ્વસ્થ સ્હેજે ક્યાં હતો;
વેઠવું સ્હેલું નથી; અણચિંતવ્યા અંજળ લખું ?
જળસભર આંખો છૂપાવી રાખી છે જો આજ દિન--
પર્વતો તોડી વહે તો એની પણ ખળખળ લખું.
એટલું સ્હેલું નહોતું ચૂપ રહેવું પણ સજન;
શ્વાસના અસ્તિત્વને પડકારવા આગળ લખું?
જેવું તેવું ક્યાં ચીતરવું રંગનો જ્યારે અભાવ?
એક ક્ષણનું આયખું હું ભવ્ય ને ઝળહળ લખું !