મ્હોરી ઊઠ્યો પ્રેમ
મ્હોરી ઊઠ્યો પ્રેમ
તુજને પામું મુજ હૈયાની,
એક આખરી નેમ;
સપ્તપદીને પગલે-પગલે,
મ્હોરી ઊઠ્યો પ્રેમ.
પનઘટ જાતી પગદંડી પર,
પગલા તારા ગણવા;
ઊરનું પંખી મોર બનીને,
જાણે નીકળ્યું ચણવા;
અંતર ઊર્મિ આગળ દોડે,
પાછી વાળું કેમ?
સપ્તપદીને પગલે-પગલે
મ્હોરી ઊઠ્યો પ્રેમ..
શિયાળાના કૂણા તડકે,
ફૂલડાં થઈને ફરતો,
આંખલડીની મૌન વાત,
જઈ ઘરચોળાને કરતો;
આંખો મીંચી આભ અડાબીડ,
ઝુકે ધરા પર જેમ;
સપ્તપદીને પગલે-પગલે;
મ્હોરી ઊઠ્યો પ્રેમ.
મારી ભીતર તારા સમણે,
એકતારો ને મીરાં;
આંખ ખૂલે, તુજને ના નીરખું,
કાળજ પડતાં ચીરા;
સૃષ્ટિ આખી સાંવરીયો ને,
પડખે રાધા જેમ;
સપ્તપદીના પગલે-પગલે;
મ્હોરી ઉઠ્યો પ્રેમ.
વ્હાલપથી વીંટળાતી બાહોં;
અમી વરસતું જાણે,
રાબ, છાશ, કંસાર હોય જે,
જમશું એક જ ભાણે;
તારી સંગે જીવતર મારું,
સોળવલ્લું હો હેમ;
સપ્તપદીને પગલે-પગલે,
મ્હોરી ઊઠ્યો પ્રેમ.
જુદાઈ તારી અંગે-અંગે,
અગન તોપ થઈ ફૂટે;
મારૂં સપનું તારા ખોળે,
પ્રાણ દેહથી છૂટે;
તારા અંતરમનમાં ડૂબું,
મનને ફાવે તેમ;
સપ્તપદીને પગલે-પગલે;
મ્હોરી ઊઠ્યો પ્રેમ..