અમારી જાત ઓગળી
અમારી જાત ઓગળી
અમારી જાત ઓગાળી, બીજાની પ્રેરણા બનશું,
હૃદયની ખોલીને જાળી, બીજાની પ્રેરણા બનશું,
જીવન છે કાચ જેવું પારદર્શક, ને સીધું સાદું,
બધાં પ્રતિબિંબ સંભાળી બીજાની પ્રેરણા બનશું,
ન પૂજું સ્વાર્થ કાજે કોઈનાં ચરણો કદિ પણ હું,
અવર કાજે ડૂમો ખાળી બીજાની પ્રેરણા બનશું,
બદલશું વાયરાઓ યશ ઉપર જે ધૂળ ફેંકે છે,
ભલે મુજને ટીલી કાળી બીજાની પ્રેરણા બનશું,
પ્રશંસક રોજ બનશું જોઈને પ્રગતિ હરીફોની,
વગાડીશું હૃદય તાળી બીજાની પ્રેરણા બનશું;
કોઈનાં આયખે અડચણ પડે મારાં થકી થોભું,
અમારાં હાડ ત્યાં ગાળી બીજાની પ્રેરણા બનશું.
