ગુણવંતી ગુજરાત
ગુણવંતી ગુજરાત

સર્જનહારે પુણ્ય પ્રતાપે આપી છે સોગાત,
મારા શ્વાસે શ્વાસે મ્હેંકે ગુણવંતી ગુજરાત.
ભૃગુ કચ્છની પાવન ધરતી ગોકુળ જેવી લાગે,
ઓઢીને અવધૂતી ચાદર માત નર્મદે જાગે,
ગંગા યમુના સરસ્વતીની બીબે પડતી ભાત,
મારા શ્વાસે શ્વાસે મ્હેંકે ગુણવંતી ગુજરાત.
દાતારેથી ગેબી વાયુ વલી પીરનાં વાતા,
ગીર તળેટી મૃગીકુંડનાં ગીત ભરથરી ગાતા,
નવે ખંડમાં નજરું કરતી બેઠી અંબે માત,
મારાં શ્વાસે શ્વાસે મ્હેંકે ગુણવંતી ગુજરાત.
પ્રભાસ પોઢ્યા પુરૂષોત્તમની વ્યથા કાળજે ઉંડી,
એવું લાગે આજ લખાણી નરસૈંયાની હૂંડી,
પરમ તેજની ભગવા રંગે ઉજવાતી શિવરાત,
મારા શ્વાસે શ્વાસે મ્હેંકે ગુણવંતી ગુજરાત.
મહેરામણની લહેરો જપતી સોમનાથની માળા,
હમીરજીની હાકલ પડતી ધ્રુજે ડુંગર ગાળા,
રા' રાખી દેવાયત દેતા નવઘણ સી મિરાત,
મારા શ્વાસે શ્વાસે મ્હેંકે ગુણવંતી ગુજરાત.
અરબ સાગરે નિપજ્યું રૂડું ગાંધી સરખું મોતી,
વીર વલ્લભો લોખંડી છે ગુર્જર કેરી જ્યોતિ,
આઝાદીનો પ્યાલો પાયો ખેડી દરિયા સાત,
મારા શ્વાસે શ્વાસે મ્હેંકે ગુણવંતી ગુજરાત.
ચોરવાડને પાદર થાતી ધીર પુરુષની વાતો,
દુનિયાને મુઠ્ઠીમાં રાખી નવાનગરને ગાતો,
મધ કરતા પણ મીઠો કીધો ખારો હતો અખાત,
મારા શ્વાસે શ્વાસે મ્હેંકે ગુણવંતી ગુજરાત.
શબદબ્રહ્મનાં પરમ ઉપાસક દયારામ મેઘાણી,
વિશ્વામિત્રી તાપી ભાદર મહીસાગરના પાણી,
કેસર હાફૂસ તોતા મીઠી જમાદારની જાત,
મારા શ્વાસે શ્વાસે મ્હેંકે ગુણવંતી ગુજરાત.
તંબુર સાથે વાત જીથરા ભાભા કેરી વ્હેતી,
જોગીદાસ અને જેસલની કૈંક કથાઓ કહેતી,
તોરલ કેરા તાતા તેજે ઉગ્યું અરુણ પ્રભાત,
મારા શ્વાસે શ્વાસે મ્હેંકે ગુણવંતી ગુજરાત.
રવિ ભાણ મોરાર પીરસતા ભજન પ્રેમનો પ્યાલો,
દાસી જીવણ પાનબાઈનાં મન ઉગ્યો મતવાલો,
ગંગા સતી અને ભોજામાં જાણે હરિ હયાત,
મારા શ્વાસે શ્વાસે મ્હેંકે ગુણવંતી ગુજરાત.
પાંચાલીનાં પિયર ભરાતો મેળો તરણેતરનો,
રૂડો મહિમા માધવપુરનાં આંગણ રત્નાકરનો,
થઈ પરોણો પરભુ આવે એવી છે રળિયાત,
મારા શ્વાસે શ્વાસે મ્હેંકે ગુણવંતી ગુજરા