મા
મા
હૃદયમાં લાગણીનું પૂર થઈને તું વહે છે બા;
ભીતર એક વાગતી સંતુર થઈને તું વહે છે બા.
ડૂમાતો સાવ ખાલીપો વલૂરે વેદના જ્યારે;
છલકતું કો' અગોચર નૂર થઈને તું વહે છે બા;
હજી સતસંગમાં પડઘાય કાયમ કિર્તનો તારાં;
ગીતાનાં વાંચને ચકચૂર થઈને તું વહે છે બા.
જીવે છે સ્પર્શ લીલો ખેતરે સૌ ચાસમાં તારો;
નદી પડખે જ ગાંડીતૂર થઈને તું વહે છે બા.
તમારાં સાડલામાં સોડમે જમુના તણી જારી;
સતત સૌ તારમાં તંબુર થઈને તું વહે છે બા.
મને લાગે હયાતી ઘર તણી ભીંતો મહીં તારી;
શબદનો કોઈ ભગવો સૂર થઈને તું વહે છે બા.
ફળીમાં ચૈતરે ઓખાહરણ બેઠું પ્રતીક્ષામાં;
અમર આશિષ દેતું ઉર થઈને તું વહે છે બા.