સાજણની વાટ
સાજણની વાટ
છાતીએ ચતરેલું ઓલું લીલેરું છુંદણું;
રાતા તે રંગમાં ગયું શરમાઈ...
એ તો ઢાંકયું ન ઢંકાઈ...
એ તો ટાંકયું ન ટંકાઈ...
આછેરા છાયલના છેડલામાં ઢાંકયું'તું;
સાજણને દેખીને ગયું શરમાઈ... છાતીએ ચતરેલું ઓલું...
કડલા ને કાંબીયુંના સાદ નવા;
અલબેલા મારા મલકમાં ગુંજતા,
ઘેરદાર ઘાઘરે ટાંકેલી ઘૂઘરીમાં,
પગલાંઓ થરથર થઈ ધ્રુજતાં,
કાંઈ બોલ્યું ન બોલાય...
વાત્યુ વગડે વે'તી થાય...
ફરફરતી ઓઢણીનો છેડો ઉડયોને
પછી હરખુંડું મન મારુ ગયું શરમાઈ... છાતીએ ચતરેલું ઓલું...
આંગણિયે અટકીને જોયું તો
અલબેલો હીંચકતો હિંડોળા ખાટ,
રણઝણતું હૈયું તો ડૂબ્યું ડૂબ્યું ને,
કાંઈ જુવે છે સાજણ ની વાટ,
મુખડું આછું રે મલકાય...
મનમાં તાલાવેલી થાય...
નજરુનાં બાણ જાણે લાગ્યા'તા ઈવા
કે અંધારે અજવાળું ગયું શરમાઈ... છાતીએ ચતરેલું ઓલું...