પામું જો પ્રીતમ
પામું જો પ્રીતમ


પામું જો પ્રીતમ
દલડામાં દીપકને રાખું
પામું જો પ્રીતમ
ઝગમગતી જ્યોતે હું ભાખું
ભવભવની પ્રીતડીને હારલે જડી ને તોયે
શમણાંમાં એમ કેમ ભાખું .. .હો..
દલડામાં દીપકને રાખું.
નાનકડા કોડિયે જો આંખડી મિલાવો તમે
પ્રેમેથી તેલ ટીપું નાખું ....હો ....
દલડામાં દીપકને રાખું.
પામું જો પ્રીતમ
નદીને ઝરણ જેમ મળીએ
પામું જો પ્રીતમ
ઘૂઘવતા દરિયામાં ભાળીએ
હોડી નૈ હલ્લેસું, ને નૈ તરાપો તેજનો
તારા વ્હાલમાં સઢને આઘું રાખું ... હો...
દલડામાં દીપકને રાખું.
પામું જો પ્રીતમ
આકાશી પાનેતરને ઓઢું
પામું જો પ્રીતમ
તારલિયે તેજ થાયે દોઢું
સૂરજ ને ચંદર જેવા તેજના ભરેલા બોલે
ઝળહળતું અંગ આખે આખું ...હો...
દલડામાં દીપકને રાખું.
પામું જો પ્રીતમ
મેહુલિયો થઈને હું વરસું
પામું જો પ્રીતમ
આકરા એ તાપમાં હું તરસું
વહેવું છે સંગ સંગ જીવતરના કાંઠે કાંઠે
ભરી દેને હેત હરિ પાખું... હો....
દલડામાં દીપકને રાખું.