તરતી યાદો
તરતી યાદો
તમારા વિચારો, તમારી જ વાતો, તમારી જ યાદો ફરતે ફરે છે,
પાંપણના પલકારે આંખોમાં ઉતરીને સજાવેલા સપના સઘળે તરે છે,
નથી બોલ્યા બોલ, નથી પૂછ્યું કાંઈ,
દલડાના દરવાજા ખુલી ગયા આઈ,
અમારા નયનમાં સજાવીને, સગપણ અમોને, તમારું મિલન સાંભરે છે,
તમારા વિચારો, તમારી જ વાતો.....
સમય વિત્યે વાતો વધાવી છે હાથે,
સગપણની સાડી ચડાવી મેં માથે,
અમારા - તમારાના સગપણને છોડી આપણાં જ સહિયારા શબ્દો ધરે છે,
તમારા વિચારો, તમારી જ વાતો.....
જીવી લેવું ઘેઘુર યાદોના વડમાં,
સાત-સાત યાદોના સાતેય પડમાં,
સંગાથે ફરવું ને સંગાથે તરવું, આ સાગરમાં ઘૂઘવતા મોજા સરે છે,
તમારા વિચારો, તમારી જ વાતો.....