દરિયા કાંઠે બેઠી
દરિયા કાંઠે બેઠી

1 min

13.9K
હરિ તમારો સાદ સૂણવા દરિયા કાંઠે બેઠી
ખારા જળનાં મોજાં ઉછળે થઈ ગઈ હું તો એઠી
હું દરિયા કાંઠે બેઠી.
અજબ તમાસો, ગજબ સમાસો, જીવન તો સમરાંગણ
ખૂણે ખાંચે પુષ્પ મિલિન્દો ઉઘડે આખું આંગણ
હરિ તમારું હેત ભરીને મધદરિયે હું પેઠી
હું દરિયા કાંઠે બેઠી.
ભીની રેતી હારે છીપલાં એકબીજાંને ભેટે
માનવના આ મહેરામણમાં મળવાનું તરભેટે
સમજણ કૈંક પીડા'ને વાતો એકલ પંડે વેઠી
હું દરિયા કાંઠે બેઠી.
દિવસે દિવસે રીત જુદીને જુદા કૃતિ આકારો
પ્રેમ સમંદર ગુમ થયો ને માત્ર રહ્યો ભણકારો
હરિ તમારા ચરણ પખાળું ભલે જોજનો હેઠી
હું દરિયા કાંઠે બેઠી.