વાત લાગે અજનબી
વાત લાગે અજનબી
આયખાં સાથે સરેલી વાત લાગે અજનબી,
આયના સામે રહેલી જાત લાગે અજનબી.
સાત પગલે સાથ સોંપ્યો જે હથેળીને ગ્રહી,
શક્ય છે, આગળ જતાં એ હાથ લાગે અજનબી.
આંખથી અંતર સુધી જાંચીને જોયા બાદ પણ,
એ ઇસમની રીત ભેદી, ભાત લાગે અજનબી.
પંડમાં દીવો કરો તો પીડ પણ પ્રજવાળશે,
આગિયાને કાંઇ થોડી રાત લાગે અજનબી?
પીંજરાના વ્યાપમાં પુરવા મથે આકાશને,
સૂડલાને માનવીની નાત લાગે અજનબી.
ક્યાંય લગ હસતો રહ્યો એ, રાશિફળને વાંચતાં,
મરજિવાને ડૂબવાની ઘાત લાગે અજનબી.
જિંદગી આખી ભલે પોબાર પાસા હો મળ્યાં,
અંતની બાજીએ મળતી મ્હાત લાગે અજનબી.