રણની વચાળે
રણની વચાળે
રણની વચાળે મોગરાના ફાલ હોય છે,
ધાર્યા ન હો એવાય થાતા હાલ હોય છે,
જો હોય તો યે ઠીક અને ના હોય તો ય ઠીક,
સમજાય જેને વાત એ બસ ન્યાલ હોય છે,
શોધો તો મીરાંઓ હશે સંસારમાં ઘણી,
જેના કરે કડછી રુપે કરતાલ હોય છે,
કાચા હશે રંગો, નહીં તો ઊતરે ન આમ,
આ સાંજની, જળમાં ઝબોળી શાલ હોય છે,
જામે જુગલબંધી જ ક્યાંથી આપણી,કહો
જ્યાં સૂર પંચમ પર,ને આડા તાલ હોય છે,
પૂછે મને જે રીતથી કાયમ એ,"કેમ છો?"
ક્યાંથી કળું,એ વેર છે કે વ્હાલ હોય છે?
ચંપલ ઘસું છું લેણદારો જેમ, મંદિરે
તે હેં પ્રભો ! ત્યાં પણ તમારે કાલ હોય છે?