અધૂરી વારતાઓ
અધૂરી વારતાઓ


અધૂરી ક્યાંકથી તો ક્યાંકથી પૂરી છૂટેલી છે,
બધીયે વારતાઓ આપણી અંતે ખૂટેલી છે,
નથી સંવાદ કે સંવાદિતા ક્યાંયે કથાનકમાં,
નિભાવા પાત્ર એવું જાતને એમાં મૂકેલી છે,
ધરી ને એ જ પાનું વાંચવાને આપશે યાદો,
કે જયાંથી માંડ હડસેલી પછી એને ભૂલેલી છે,
પછી સાંધે જ સાંધે રોડવી છે જીંદગાનીને,
ખૂણેથી જ્યાં તૂટેલી ખાંચરેથી જ્યાં ફૂટેલી છે,
પડ્યો એને ન રસ જ્યાં આપવીતી સંભળાવી મેં,
નહીં તો એજ એની સાથે પણ વીતી ચૂકેલી છે,
નથી જે વ્યક્ત થઈ શકતી કથાઓ કેટલી એવી,
અગર શોધી શકો તો મૌનના તળમાં ડૂબેલી છે,
અહીં બચપણ રમે છે ગોદમાં મોબાઈલની આજે,
અને ત્યાં દાદીને ખોળે કહાણીઓ સૂતેલી છે.