ક્યારેક
ક્યારેક


ક્યારેક આવે યાદ અને ક્યારેક ભૂલી જાઉં પણ,
ક્યારેક તરતી જાઉં અને ક્યારેક ડૂબી જાઉં પણ.
રોમાંચ એના સ્પર્શનો ઊજવું હજી રુએ રુએ,
ક્યારેક લજ્જાઉં અને ક્યારેક ઝૂમી જાઉં પણ.
એની નશીલી આંખ, મોહક સ્મિત ભરેલા કેફમાં,
ક્યારેક બંધાઉં, અને ક્યારેક છુટી જાઉં પણ.
એ સ્વપ્નમાં આવી પ્રવેશે, શ્વાસ થઇ રોકે મને,
ક્યારેક વારી જાઉં તો ક્યારેક રૂઠી જાઉં પણ.
પડઘા એ તેની યાદના શમતા નથી આજે હજી,
ક્યારેક સાંભળતી રઉ ક્યારેક ભૂલી જાઉં પણ
તેના નયન ઉલાળમાં અસ્તિત્વ ઓગળતું રહ્યું,
ક્યારેક આથમતી જાઉં ક્યારેક ઊગી જાઉંં પણ.
સંધ્યા ઢળે કાનો મને યમુના તીરે બોલાવતો,
ક્યારેક દોડી જાઉં અને ક્યારેક છુપી જાઉં પણ.