દીકરી ઘરમાં ન હતી…!
દીકરી ઘરમાં ન હતી…!


લગ્નની તારીખ નક્કી થયાથી,
આજદિન સુધી દીકરીના પિતાએ,
નિરાંતનો શ્વાસ નથી લીધો.
કદાચ વિદાય વેળાએ,
પોતે પુરુષ હોવાથી;
હૈયાફાટ રૂદન પણ નથી કરી શક્યા.
કહેવાતો ‘શુભ’ પરંતુ વાસ્તવમાં,
એક દીકરીનાં પિતા માટેનો ‘દુ:ખદ’ પ્રસંગ;
હવે પૂરો થઈ ગયો હતો.
દીકરીની વસમી વિદાયની સાથે જ,
મેળાવડો વિખાઈ ગયો હતો ને-
ઘરમાં પણ સન્નાટો છવાઈ ગયો હતો.
રાત્રિની નીરવ શાંતિ હોવાછતાં,
થાકી ગયેલા પિતા પથારીમાં પડ્યા-પડ્યા;
ઓરડાંની લાઈટ સામે જોઈ જાગી રહ્યા હતા.
કારણ કે…
આજે ઓરડાંની એ લાઈટ બંધ કરી,
‘હવે સૂઈ જાવ, પપ્પા’ – કહેવાવાળી;
દીકરી ઘરમાં ન હતી…!