મારી ગઝલ
મારી ગઝલ
1 min
130
‘ક્યા બાત’ ને ‘યે બાત’ની,
પ્યાસી નથી મારી ગઝલ,
સમજો તમે તો દાદ દ્યો,
હાંસી નથી મારી ગઝલ.
ચૌદે ભુવનમાં એ ફરે,
ને શબ્દપ્રેમીને મળે,
નિજભાવથી તાજી લખી,
વાસી નથી મારી ગઝલ.
ખામી ભરેલી એ હશે,
કારણ હજી શરુઆત છે,
‘ટીકા થશે’નાં ક્ષોભથી,
નાસી નથી મારી ગઝલ.
સમજણ મુજબ લખતો રહું,
ને પ્રેરણા મળતી રહે,
શબ્દો થકી જીવન મળ્યું,
ફાંસી નથી મારી ગઝલ.
ને ફેસબુકમાં મૂકતાં,
મિત્રો ઘણાં લાઇક કરે,
સીધી-સરળ મેં તો લખી,
ત્રાંસી નથી મારી ગઝલ.
કરજો ગમે તો શેર,
પણ નામે તમારા ના કરો,
છે ફક્ત જો એ 'વીર'ની,
દાસી નથી મારી ગઝલ.
