ઝૂમતી આવી વસંત
ઝૂમતી આવી વસંત
સુણ કોકિલાનો સાદ સૈયર ઝૂમતી આવી વસંત,
ફૂલોય ખેલે ફાગ સૈયર ઝૂમતી આવી વસંત.
મ્હોરી ઉઠી ત્યાં મંઝરી નટખટ વાસંતી વાયરે?
શું કેસુડાનો ઠાઠ! સૈયર ઝૂમતી આવી વસંત.
ગઈ પાનખર રીસામણી આવી વસંત સોહામણી
લાવી મહેકતો બાગ સૈયર ઝૂમતી આવી વસંત.
લઈ મોરપીંછુ હાથમાં ગાલે અડપલા કર નહિ,
વીંઝી નયનના બાણ સૈયર ઝૂમતી આવી વસંત.
શણગાર શૈ લાગે ફીકો પ્રિય નામને ત્રોફ્યા વિના,
લઈ છુંદણાનો સાજ સૈયર ઝૂમતી આવી વસંત.
પગલા વાસંતી જ્યાં પડ્યા ગુલાલના છાપા થયા,
ઝૂમે છે ધરતી આભ સૈયર ઝૂમતી આવી વસંત.