ગાંઠ રેશમની
ગાંઠ રેશમની
ગાંઠ રેશમની નહીં છુટી શકે,
આપણું સગપણ નહીં તૂટી શકે.
રેત જેવી હાથથી સરતી ક્ષણો,
ભાગ્યથી કોઈ નહીં લુંટી શકે.
ભાવ શ્રદ્ધામય હતા શબરી તણા,
રામ પણ એ ભાવ નહીં ભૂલી શકે.
હિંચકે સાથે ઝુલ્યાના ઓરતા,
તુજ વિના કોઈ નહીં પૂરી શકે.
અંગ અંગે કેસુડો મ્હોર્યા પછી,
રંગ અવર કોઈ નહીં ચૂંટી શકે.
તુજને જોયાનો નશો કાયમ રહ્યો,
પાંપણેથી કોઈ નહીં ભૂંસી શકે.