શું છે?
શું છે?


આરઝુ શું છે જુસ્તજુ શું છે?
એની સાથે આ ગુફ્તગુ શું છે?
હોઠ પર એ જ સતત આવે છે
નામ એનું ભલા નામનું શું છે?
એના ચહેરાની બધે છે આભા
ભોર શું છે કે ભાસવું શું છે?
શ્વાસ ઉચ્વાસ તરબતર મારા
ફુલ શું છે આ રંગો-બૂ શું છે?
એની યાદોની હુંફ સાથે છે
તાપ શું છે અને તાપણું શું છે?
ઘેન જેવું જ રહે છે કાયમ
એમની આંખનો, જાદુ શું છે?
ચોતરફ એના બધા ચહેરાઓ
રૂબરૂ છે કે આ શમણું શું છે?
નામ એનું જ લઇ તરવાના
તાણ શું છે અને તારાનું શું છે?
વાત પણ વાયરો થઇ છે હનીફ
સાચું કહેજે આ ગુફ્તગુ શું છે?
આ ગઝલથી જ પ્રસિદ્ધિ થઇ છે હનીફ
એ વગર તારી આબરૂ શું છે?