હિસાબ શું આપું?
હિસાબ શું આપું?


તને હું મારા જીવનનો હિસાબ શું આપું?
સવાલ એવા કરે છે જવાબ શું આપું?
હવે તો એ જ મારા પ્રેમની ધરોહર છે,
હવે એ પત્ર એ સુક્કા ગુલાબ શું આપું?
એ રાત દિ, એ મહેકતો સમય પરિચયનો;
મિલનની રાત અને માહતાબ શું આપું?
અધુરા સ્વપ્ન, અધૂરી એ મધુરી વાતો,
અધૂરી યાદ,અધૂરાં એ ખ્વાબ શું આપું?
તું માંગે છે જે પરત તારા સ્મરણની રાતો,
હવે છે દિવસો મારા ખરાબ, શું આપું?
કે જેમાં હોય તારી વાત નાઝ ને અંદાઝ,
કરી શક્યો નહિ પૂરી કિતાબ શું આપું?
એ પૂછતાં જ રહ્યા મારી દશાનું કારણ
હનીફ અશ્રુભર હું જવાબ શું આપું?