કમળ આપી શકું
કમળ આપી શકું
કઈ રીતે સાલસ સરળ આપી શકું,
તું જે માંગે છે તે છળ આપી શકું.
રક્તમાં પીંછી ઝબોળીને તને,
આ અજંપાનું કમળ આપી શકું.
એક તું અઢળક તૃષા લઈને ઊભી,
એક હું ખોબોક જળ આપી શકું.
આ ગહન લિપિ ઉકેલી દે પ્રથમ,
તે પછી સમજણ સકળ આપી શકું.
આમ આ સરતું સરકતું આયખું
આમ આ હિજરાતી પળ આપી શકું
અવદશાની એ જ મૂડી છે ‘હનીફ’
જીર્ણ આ પહેરણની સળ આપી શકું.