કબર બાકી છે
કબર બાકી છે
સાંજ બાકી છે સહર બાકી છે,
મારા શ્વાસોની સફર બાકી છે.
આમ પડખેથી ઊઠી જાવ નહિ,
કે હજી એક પ્રહાર બાકી છે.
હોશમાં પણ રહું છું હું મદહોશ,
એની આંખોની અસર બાકી છે.
એમના સ્પર્શની આ એંધાણી
ટેરવે એક ટશર બાકી છે.
આ અમસ્તી નથી રઝળપાટો,
કોઈ ઘર કોઈ ડગર બાકી છે.
જિંદગીભર મેં વેઠ્યો અંધાર
ને આ અંધારી કબર બાકી છે.
શબ્દ પણ છોડી ગયા સાથ ‘હનીફ’
રિક્ત કાગળની સફર બાકી છે.