અલી, તારી ચુંદડીમાં…
અલી, તારી ચુંદડીમાં…
અલી, તારી ચુંદડીમાં મોરલા ઓછા બે'ક ટાંકજે.
મોરલા જો આ એકસામટા ટહુંકશે,
નભ આખુ ય આ ધરા પર ઝૂકશે,
એક એક જણ એમાં એમ ડૂબશે,
કહેતી ના 'લી પછી એમાં મારો શું વાંક છે.
અલી, તારી ચુંદડીમાં મોરલા ઓછા બે'ક ટાંકજે.
મારા ય દિલમાં છૂપો અષાઢ છે,
બહાર આવવાની એને ય ચાડ છે,
શમણાને આમે ય ક્યાં કો' વાડ છે,
આ આંખ તો સપનાનુ નામનું જ રહેણાંક છે.
અલી, તારી ચુંદડીમાં મોરલા ઓછા બે'ક ટાંકજે.
દિલ જો પ્રીતના પગલા કળી જશે,
કાફલો મંઝીલથી આગળ નીકળી જશે,
રસ્તો ને રાહી એકમેકમાં ભળી જશે,
કુદરતે આપી મને જો પરવાનાની પાંખ છે,
અલી, તારી ચુંદડીમાં મોરલા ઓછા બે'ક ટાંકજે.