છે તો છે
છે તો છે
આ પુરાતન ઝંખનાઓની વિવક્ષા છે તો છે
પામવાની એમને મારી અભીપ્સા છે તો છે
ઘર ગલી રસ્તા ઉપર ને ભીડ કે એકાંતમાં
એમને મળવા જવા સો સો બહાના છે તો છે
હુંય એવી દ્રષ્ટિ રાખું છું કે રહે નજરો સમક્ષ
એમને સંતાવવવાને લાખ પડદા છે તો છે
એય પણ વિહવળ પ્રસારીને ઊભા છે બાહુઓ
મારી પણ બંધાઈ જાવાની વિવશતા છે તો છે
હો ઘટિત કે અઘટિત શ્રુત કે અશ્રુત હો
પણ અમારા પ્રેમની કઈ એક અફવા છે તો છે
એમની સાથે પણ સંબંધ ના રહ્યો છતાં
આજ પણ છે દ્વાર ખુલ્લા ને પ્રતીક્ષા છે તો છે
એમની આંખોમાં આજે પણ છે જો જાદુ હનીફ
તો ગઝલ લખવાની મારી પણ અવસ્થા છે તો છે