એહસાસ
એહસાસ
વાંચી શકાય એવો તું એક એહસાસ લખે તો
મારા જ માટે એક પત્ર ખાસ લખે તો
હમણાં જ ઊડવા માંડશે આ કાષ્ઠ પંખીઓ
તાજી રંગેલી ભીંત પર આકાશ લખે તો
પાણીનો સ્વાદ પણ હવે ભૂલી ગયો છું હું
જાગી જશે તરસ અગર તું પ્યાસ લખે તો
તારા સુધી તો કઈ રીતે પહોંચી શકું કહે
ધુમ્મસ ભર્યા છે માર્ગો, અજવાસ લખે તો
સપનાની જેમ આંખથી વિખરાઈ જાઉં હું
પાંપણ ઉપર જો અશ્રુથી ભીનાશ લખે તો
આંખોના રંગ પણ સાહેદ થઈ ગયા હવે
છેલ્લી ઘડીએ એ હવે વિશ્વાસ લખે તો
મેં તો લખી હનીફ હયાતીની આ ગઝલ
એ શક્ય છે કે તે હવે ઈતિહાસ લખે તો