જિંદગી એક સંવાદ
જિંદગી એક સંવાદ
આમ તો સાવ નાની ફરિયાદ છે,
ભૂલવા હું મથું તું કહે યાદ છે.
આંખમાં આવતાં સ્વપ્નને વાંચવા,
પાપણોથી કર્યો મેં અનુવાદ છે.
સત્યને સાચવી ના શકે ડાયરી,
ખાસ પાનું હતું એ જ તો બાદ છે.
પથ્થરો ઓગળી જળ થયા છે ગઝલ,
નાવ રૂપે ધરી તેમને દાદ છે.
મૌનનો ભાર તો કલ્પને લાગશે,
કેમકે જિંદગી એક સંવાદ છે.
