મેહુલો ઘેરાયો
મેહુલો ઘેરાયો


દૂર દૂરના દેશાવરથી એક વાયરો વાયો,
ભીની વાદલડીને ઓઢી આયો રે ભૈ આયો...!
આ મેહુલો ઘેરાયો...!
સૂક્કા ખેતર વચ્ચે બેઠો કણબી કેવું મલકે,
ઊંચે આભે દેખી આંખ્યું ઝીણું ઝીણું છલકે,
ઓણુંકા આ લાડકડીએ રાગ મલ્હારી ગાયો...!
આ મેહુલો ઘેરાયો...!
જેઠ ઝાપટાં, અષાઢ ઘુમ્મર, શ્રાવણીયાની ઝરમર,
લીલુડી ઓઢણિયું ઓઢી પનેતરમાં ફરફર,
દાંડી પડતાં ઢોલ ઉપર આ દલડે નાદ છવાયો...!
આ મેહુલો ઘેરાયો...!
પંચમ સૂરે સૂર છેડતી શરણાયું આ ગૂંજે,
નાના - મોટા હૈયે ટાઢક મીઠી મીઠી સર્જે,
અંબરથી વરસી મેહુલો ધરતી લગ પથરાયો...!
આ મેહુલો ઘેરાયો...!