લાગણીનું ફૂલ
લાગણીનું ફૂલ
આપણે તો લાગણીનું મધમીઠું ફૂલ, ભીની મહેંકો ભળે ને ઊઘડીયે,
આપણને ટૂંકેરા ટહુકાની છૂટ, કોઈ ગુંજી લે ગીત તો ઓગળીયે...
ઝાંઝવાના જળથી આ તરસી પડેલા પેલા મૃગલાની દોટ મૂકી થાક્યા,
ઝાપટાંય ક્યાંક ક્યાંક વરસી પડેલા ત્યારે અમરતનાં સ્વાદ બે ચાખ્યા,
આપણને કો’ક દિ’ રંગો અડે ને પછી આભલામાં આયખું ચીતરીએ,
આપણે તો લાગણીનું મધમીઠું ફૂલ, ભીની મહેંકો ભળે ને ઊઘડીયે...
સમજણનાં અત્તરને હાથની હથેળીમાં ભરતા-ભરતાં તો ઉભરાતા,
મોઘમ એ વારતાઓ વ્હાલભરી કહેતા ને લજ્જામાં ગાલ થતાં રાતા,
આપણને ભીંજવી દે નજર્યું કોઈ પ્રેમભરી તો પછી લથપથ નીતરીએ,
આપણે તો લાગણીનું મધમીઠું ફૂલ, ભીની મહેંકો ભળે ને ઊઘડીયે…
ડુંગરના પથ્થરમાં તરણુંય કોરે અને રણમાંય દરિયાની છાપ,
લાગણીના લીલાછમ ઝરણાંએ વહેવાનું ક્યાં હવે રાખ્યું છે માપ?
ગંજીફા બાજી કોઈ આપણને તેડે તો હુકમનું પાનું ઉતરીએ,
આપણે તો લાગણીનું મધમીઠું ફૂલ, ભીની મહેંકો ભળે ને ઊઘડીયે.