બારમાસી ગીત
બારમાસી ગીત
આપને આપી મને ઈશે પૂરી કરી મારી માનતા સખી;
આંખો આપની દ્રષ્ટિ અમારી: સપનાં ખૂબ ફળતાં સખી.
‘કારતક’ના કામણગારા દિવસ ગણતાં સખી;
કોડ મારા એમ પુરાં તમે કરતાં સખી.
‘માગશર’ની મઘમઘતી મનહર રાતમાં;
રાત રાણી મોગરાના ફૂલો ઝરતાં સખી.
‘પોષ’ની હાડ થીજાવતી ઠંડી શિશિરે;
એક રજાઈમાં સંગ સંગ થરથરતાં સખી.
‘મહા’ની મધ્યાહ્નને અમે ચોર્યા ટહુકા કોકિલ;
પંચમ સુરે “ટહુકા પાછાં આપો” કરગરતાં સખી.
ફોરમતા ‘ફાગણ’ના પહેરી છોગાં આવ્યાં તમે;
ખુદ થઈ બેહોશ હોશ ઉડાડી નિંદર હરતાં સખી.
‘ચૈત્ર’ની બળબળતી ચાંદનીથી જો બદન બળે;
ચંદનનો લેપ લઈ ખુદ અમ સન્મુખ ધરતાં સખી.
બળબળતી ‘વૈશાખ’ની ધગધગતી ઉષ્ણ બપોરે;
વારંવાર ડંખીલા શીતળ સ્પર્શથી કનડતાં સખી.
‘જેઠ’ માસે વટથી વ્રત કરતાં અમ સખી સાવિત્રી;
ભજન કીર્તન હરતાં ફરતાં કરતાં સલુણાં સખી.
‘અષાઢ’ની મેઘલી ભેજલ રાત્રીના ગાઢ અંધકારે;
વીજ ઝબકારે અચાનક પ્રકટ થઇ ઝળહળતાં સખી.
“શ્રાવણ’ની એક ધારે એકધારું ભીંજવતી મેઘ કન્યા;
મનમાં મન પાંચમનો મેળો રચી મહાલતાં સખી.
‘ભાદરવા’ની ભરપૂર જળ રાશીની પવિત્ર સાક્ષીએ;
અંજલિ ધરીને સ્મરણ એકસામટા ગટગટાવતાં સખી.
‘આસો’માં અવસરના આસોપાલવ બારસાખે બાંધી;
શક્તિ રૂપેણ કુમકુમ પગલે અમ ઉરે સંચરતાં સખી.