મૂંઝવણમાં
મૂંઝવણમાં
છું હું મૂંઝવણમાં, વાંચીને દેશ નો ઈતિહાસ ;
કરું પ્રેમ સંસ્કૃતિને કે ઉડવું એની હાસ ?
કરું છું હું વિશ્વાસ, મતિવિહીન ગ્રંથો-વેદ-વાણીમાં;
જ્યાં કપિઓ આવે મદદે ને પથ્થરો તરે પાણીમાં.
તો હું ગર્વ પણ કરું છું જ્ઞાનસભર ચરકસંહિતા-આર્યભટ્ટીનો;
મહાન આ ગ્રંથ તબીબીશાસ્ત્રનો ને ઉલ્લેખ જેમાં શૂન્યનો.
કરું છું હું વિશ્વાસ, જ્યાં પવનને પણ હોય સૂત ;
ધગધગતા સૂર્યને પણ આરોગવા સમર્થ એવા સપૂત.
તો હું ગર્વ પણ કરું છ
ું બ્રહ્મગુપ્ત, ભાસ્કર, વરાહમિહિરનો;
જેમની સચોટ ગણતરીઓ ગ્રહણની ને ઉલ્લેખ પૃથ્વીના પથનો.
કરું છું હું યાદ અપમાનો એકલવ્ય-કરણના;
અનુભવો કડવાએ, અસમાનતા-જાતિ-વરણના.
તો સ્મૃતિ પણ કરું હું ઉજ્જૈન, તક્ષશિલા, નાલંદાની;
આવકારે જે વિશ્વભરને, નીકળ્યા છે જે શોધમાં જ્ઞાનની .
ભળી ગયું છે દૂધમાં પાણી, એ પણ ગટર નું;
હું કેવો આંધળો અનુયાયી, કરું છું અનુકરણ, અનુકરણનું.