બ્હાર આવ્યા આપણે
બ્હાર આવ્યા આપણે
ચકચકિત જ્યાં કાચમાંથી બ્હાર આવ્યા આપણે;
રોજના વનવાસમાંથી બ્હાર આવ્યા આપણે.
સૂર્ય શીતળતા મઢાવી ત્યારથી ઊગતો થયો;
જ્યાં સળગતી જાતમાંથી બ્હાર આવ્યા આપણે.
યુગ જૂનો ઓઢ્યો હતો એ અંચળાને ફેંકતા--
થાક; ઠંડક; ઠાઠમાંથી બ્હાર આવ્યા આપણે.
પળમહીં પ્રગટી ગયું ખાખીપણાનું જ્યાં ખલક--
મુલ્ક મેલાદાટમાંથી બ્હાર આવ્યા આપણે.
લોક જે શ્વસતા હતા એ સર્વ શ્વાસો સાધતા--
જાણે લોકો લાખમાંથી બ્હાર આવ્યા આપણે.
એક બાજું રોટલાનું સત્ય; બીજું ભૂખનું--
બેઉંના સંઘર્ષમાંથી બ્હાર આવ્યા આપણે ?
જ્યાં પચાવી જાણતા સીસા સમા શબ્દો થયા;
જાળ ને જંજાળમાંથી બ્હાર આવ્યા આપણે