વાત કરવી છે
વાત કરવી છે
કાનમાં તુજ એક છાની વાત કરવી છે
આવ મારે આજ નાની વાત કરવી છે
સાંભળે ના એ હવા, ના સાંભળે ઝરણા
આવ તું તો એક મજાની વાત કરવી છે
શું ઈશારા એ કરે છે આ નયન તારા
બોલને તું આજ શાની વાત કરવી છે ?
ફૂલને શું આ ભ્રમર કહે છે જરા સાંભળ
લો ભ્રમર જેવી સુહાની વાત કરવી છે
ફૂલની પીંછી ફરી જ્યારે નયન પર મુજ
ભાન ભૂલી એ નશા ની વાત કરવી છે.
નામ મેંદીથી લખ્યું તારું હથેળીમાં
કેમ વીતે આ જવાની, વાત કરવી છે
ખૂબ સપના યાદ આવે છે હવે એને
મૌન તોડ્યું છે તો શાની વાત કરવી છે