ઓરડામાં, ઓસરીમાં, બારણાંમાં તું
ઓરડામાં, ઓસરીમાં, બારણાંમાં તું
ઓરડામાં, ઓસરીમાં, બારણાંમાં તું,
શ્યામ, મારા એક એક સંભારણામાં તું.
હાંકે રાખ્યું તારા ભરોસે શ્યામ મેં ગાડું,
સડેડાટ ચાલ્યું એ કંઇ ન આવ્યું આડું,
સમજણ આવી ત્યારથી ધારણામાં તું,
શ્યામ, મારા એક એક સંભારણામાં તું.
ઊગું, આથમું અને ફરી ફરી ઊગું,
એમ એક દિ' શ્યામ તારા લગી પૂગું,
શ્વાસ જેનાથી ચળાય એ ચારણામાં તું,
શ્યામ, મારા એક એક સંભારણામાં તું.
અવનવા રૂપ તારા આંખ સામે ઊભરે,
કદી વાંસળી કદી હાથમાં શંખ ચક્ર ધરે,
રણમધ્યે તો કદી સૂતો પારણાંમાં તું,
શ્યામ, મારા એક એક સંભારણાંમાં તું.
આયખાની પૂરી કરું, એમ આ અધૂરપ,
તું ન આવે તો ય ચાલતી રહે ગપસપ,
ઈડા, પિંગલા, સુષુમ્ણા, વારણામાં.. તું
શ્યામ, મારા એક એક સંભારણામાં તું.
* વારણા - શરીરમાં રહેલી મુખ્ય ચૌદ માંહેની એક નાડી. આ ચૌદમાં પણ ઈડા, પિંગલા અને સુષુમ્ણા મુખ્ય છે અને કૂહુ, સરસ્વતી, ગાંધારી, હસ્તિજિહ્વા, વારણા, યશસ્વિની, વિશ્વોદરા, શંખિની, પૂષા, પયસ્વિની તથા અલંબુષા ગૌણ છે.
