સુગંધનો દરિયો
સુગંધનો દરિયો
ફાગણનો ગુલમ્હોરી કસુંબલ રંગ ને
વાસંતી વાયરે વહેતી ફૂલોની સુગંધ
રંગ ને સુગંધનો દરિયો લહેરાય
આજ રંગે રમવાને મનડું હરખાય,
આંબા ડાળે મલપતી કોકિલ કંઠીએ
મચાવ્યા આનંદે કલબલતા શોર
બાંસુરીના બોલમાં લાગતું જાણે
કે ટહુક્યા અંતરની ક્યારીએ મોર,
કેસરિયા ફૂલોના રંગીન રાહમાં
કૈં ભાન ભૂલેલા ભમરા મંડરાય
રંગ ને સુગંધનો દરિયો લહેરાય
આજ રંગે રમવાને મનડું હરખાય,
કેસૂડાની લાલીએ ખીલી ઊઠ્યાં કૈં
મબલખ ગુલાબી સપનાના પુલ
અંબોડલે આજ શણગારી કેવી
મોગરાની મ્હેંકતી મધમધતી ઝૂલ
ગુલાલે ભીંજવાને ઝંખતા હૈયામાં
વસંતના વૈભવનું માધુર્ય છલકાય
રંગ ને સુગંધનો દરિયો લહેરાય
આજ રંગે રમવાને મનડું હરખાય.

