મેઘધનુષ
મેઘધનુષ


તારી હથેળીમાં ઝાઝા મ્હેંકતા ફૂલો હશે,
એમ વિચારીને જ હું પતંગિયું થઈ આવી !
પણ તારી સૂની હથેળીઓ જોઈ, ચૂમીને,
હું મારા મબલખ રંગો એમાં ભરી આવી !
તારી માસૂમ ગુલાબી ફૂલ'શી હથેળીઓના
સ્પર્શ થયા ને બસ આ સ્પંદન રણઝણ્યા,
મારું મન ભીની હવા સંગ લહેરાતું, સરકતું,
ભમ્મર વાદળ બની ઝરમર વરસતું વહેતું'તું.
તને જોઈને બસ એવું જ લાગે કે જાણે,
કેવો વાસંતી વૈભવ ચોતરફ છવાયેલો છે !
ફૂલોની માદક સુગંધ વિખરાતી હતી અને,
પેલાં શબનમના ટીપાં મને ભીંજવતા હતા !
અંતરમાં છલકતી એ લાગણીની ભીનાશને
તારા પગરવનો ભીતરમાં છે મીઠો અહેસાસ !
ને તારી આંખનું અમૃત ને અધરોની મીઠાશ,
રંગોથી ફેલાતી અંગોમાં વાસંતી સુવાસ છે.
તારી સમીપેથી એ મૌન યાદોમાં વિહરતી,
પાછી ફરી જોઉં છું તો અહાહા.. આ શું ?
મારી બેરંગ એકલતાના આખા આકાશમાં,
અચાનક સપ્તરંગી એ મેઘધનુષ ખીલ્યું'તું.