હોળી
હોળી


આપણે
ક્યારેય
રોમાંટિક હતા ખરા?
સંજોગોની સાથે સતત
સંઘર્ષ કરતાં રહ્યા તમે...
કારકિર્દીને જતનથી
ઘડતાં રહ્યા તમે
બુદ્ધિને કસી કસીને ,
મેચ્યોર બનતાં રહ્યાં અમે,
ને બર્નાર્ડ શૉ વાંચી-વખાણીને
વેવલાઈ પર હસતાં રહ્યા અમે...
આપણે
સમય કે સ્વભાવથી મજબૂર
પ્રેમલા-પ્રેમલીની વાત કરી હશે
ક્યારેય.?
ના, ના, આજે, કાલે નહીં
જમાના પહેલાં પણ?
ના...
(તોતેર મણની ના)
આજે જ્યારે બારી બહાર નીરખી રહી છું,
અબીલ-ગુલાલ અને ક્યાંક રંગથી
હોળી રમતાં
એક-બીજાને પકડવા દાવ અજમાવતાં,
ગુસ્સાની ચિચિયારી પાડીને હસી પડતાં,
અસ્તિત્વને લાલચોળ બનાવી મુકતા,
રંગે રંગાયેલ અને નેહે રસાયેલ એ લોકોને
તીરે ઊભા રહી નીરખી રહી છું ત્યારે
એ રસ-રંગની ભાગીદાર બની રહી છું ત્યારે
એવું કેમ લાગે છે કે
મારી પાસે, મારી સાથે કેમ કોઈ નથી?
આખી દુનિયામાં શું હું એક જ પ્રેષિત ભર્તૃકા છું?
આટલા કોલાહલ વચ્ચે કેમ ઊભી છું-
સાવ એકલી-અટૂલી?