ક્યાં કોઈ મનાવે છે ?
ક્યાં કોઈ મનાવે છે ?
તું નથી આજે સંગે તો, તારી યાદ મને સતાવે છે,
પ્રણયગોષ્ઠીમાં કરેલી, એ વાત મને સતાવે છે.
કોણે કહ્યું કે આપણે, એકમેકથી જુદાં છીએ,
પ્રણયમાં અલગ થવાની, એ વાત મને રડાવે છે.
નોખાં છે રંગરૂપ સૌનાં, આ મતલબી દુનિયામાં,
એક રંગ પારખો ત્યાં, હજાર રંગ મને બતાવે છે.
લોકો કહે છે કે આભાસ છે, મને તારા હોવાનો,
મૃગજળ જેમ લુપ્ત થતી, તારી છબી મને ડરાવે છે.
નથી કોઈ મિત્રો કે, નથી કોઈ અંગત અહીં,
હૈયામાં રહેલી હૈયાવરાળ, રોજ મને દઝાવે છે.
ક્યાં જઉં ને કોને કહું, મારી દુઃખી દિલની દાસ્તાન,
જેની પાસે હૈયું ખોલું, એ પોતાની મને સંભળાવે છે.
આ સ્વાર્થી દુનિયામાં, ક્યાં લગી રહેવું નિષ્પક્ષ મારે,
નથી રિસાતો એટલે જ, હવે ક્યાં કોઈ મને મનાવે છે !