માંગે છે
માંગે છે
માણસ પણ કેવો અજીબ છે, જ્યાં જાય ત્યાં માંગે છે,
મંદિરમાં જાય તો આશીર્વાદ, ને મસ્જિદમાં દુઆ માંગે છે.
છાતી પર જે ગોળી ઝીલતાં, ભારતના વીર સપૂત હતાં,
આજે એક ચોરને પકડવા પણ, બુલેટપ્રુફ જેકેટ માંગે છે.
એક ચહેરા પર અનેક મુખોટા, કેટલાં સાચા કેટલાં ખોટા,
છડે ચોક દગો દઈને પણ, પોતે અહીં વિશ્વાસ માંગે છે.
નથી તેનાં મનમાં કોઈ સ્નેહ, કે નથી તેનાં હૃદયમાં ભાવ,
કાળા માથાનો માનવી છે, દાનનો પણ હિસાબ માંગે છે.
એકલતાને દૂર કરવા કાજ, પોતે એક સંબંધ બાંધે છે,
પછી એ જ સંબંધથી કંટાળીને, પાછી એકલતા માંગે છે.
સમર્પણની ભાવના નથી, કે નથી ત્યાગ કરવાની તાકાત,
જિંદગી આખી મારું મારું કર્યું, અંતે છ ફૂટ જગા માંગે છે.