છુટાછેડા પછી...
છુટાછેડા પછી...
તારી પાસે કંઇક હજી પણ રહી ગયું છે મારું...
એ મોકલાવી દે...
દુર સુધી ફેલાયેલુ અમાપ આકાશ..
અને હસતો ચંદ્ર...
અને એનો ચંદરવો ઝીલતા આપણા શરીર...
ચાદરમાં લપેટાયેલી એક આખે-આખી
રાત પડી છે તારી પાસે...!
ભીની-ભીની મહેંદીની સુંગંધ..,
કંઇક ખોટી-ખોટી ફરિયાદો.., રીસામણાં-મનામણાં...,
અને થોડા વાયદાઓ..,
થોડી પાનખર પણ છે...,
એ પાનખરના સુકાયેલા પાંદડાનો અવાજ
હજી પણ મારા કાનમાં વાગ્યા કરે છે...!
અને એક સુકાયેલી પાંદડા વગરની
ડાળ હજી પણ કંપ્યા કરે છે...
પેલા ચોમાસાના ભીના-ભીના દિવસો..,
અડધા સુકાયેલા અને અડધા ભીના આપણે બંન્ને...
સુકાયેલી લાગણી તો હું મારી
સાથે જ લઇ આવી હતી...!
પણ કદાચ ભીની-ભીની યાદો હજી પણ
તારી પથારી પાસે જ પડી હશે...
બસ એ મોકલાવી દે...!
એ બધુ ત્યાં જ દફનાવીને હું પણ ત્યાંજ
એક ગાઢ ઊંઘમાં સરી ગઈ...