ગઝલ : આલાપો તમે
ગઝલ : આલાપો તમે
જાણતા હો સત્ય મારું, તો જ મત આપો તમે,
ધારણાના માપિયાથી ના મને માપો તમે.
જાય છે વધતી સતત એ વૃક્ષ માફક તાડના,
એષણાને છેક જડથી આજ તો કાપો તમે.
જીવતા ભગવાન છે ઘરડાઘરે, તો ના પૂજો;
આગ કાગળના બધા ભગવાનને ચાંપો તમે.
દ્વેષ–ઈર્ષાને મૂકી કોઈ વખત, 'થાજો ભલું' —
રાગ એવા કો'કના માટેય આલાપો તમે.
જિંદગીની માળા પૂરી થઈ જશે પળવારમાં,
હર ઘડી તો જાપ દુઃખના આમ ના જાપો તમે !