માણસોને ભૂલવાનું બંધ કર
માણસોને ભૂલવાનું બંધ કર
દુ:ખ ગજા બ્હારું હવે તું આપવાનું બંધ કર,
દિલ બધાનાં આગમાં તું બાળવાનું બંધ કર.
દિલ નથી કાપડ બધું તું માપતો મીટર વડે,
શ્વાસની ધડકન બધી તું માપવાનું બંધ કર.
પ્રેમ મારો એ નથી જે ઊંઘવા ના દે તને,
વ્હેમ છોડી ઊંઘ, જા, ને જાગવાનું બંધ કર.
આપ એવી જિંદગી હું કામ નેકી ના કરું,
જાત પ્રત્યે પ્રેમ ખોટો રાખવાનું બંધ કર.
આપવું ભોજન બધાને પેટ નાનું હું ભરું,
સ્ટોક કરવાના વિચારો છાપવાનું બંધ કર.
ધર્મ સાચો એ નથી જે નાત જાતો વ્હેચતો,
તું હવે માણસ બધાએ વ્હેચવાનું બંધ કર.
આ ફકીરો રોજ ખોટી આપતા ધમકી મને,
આમને ઠેકા બધાએ આપવાનું બંધ કર.
હું નથી કંઇ ચીજ જે તું બાંધતો ગઠરી કરી,
જીવતા માણસ પડીકે બાંધવાનું બંધ કર.
હોય જો સાચો હવે તો આવ મારા વાલમા,
દુ:ખ ધરી પીડા બધીયે ચાખવાનું બંધ કર.
માનવી ભૂલે તને એ વાત ગમશે તો નહીં,
તો ભલો થૈ માણસોને ભૂલવાનું બંધ કર.