'Sagar' Ramolia

Tragedy Inspirational

4.9  

'Sagar' Ramolia

Tragedy Inspirational

વિધવા ભાગ-8 સમાજ અને સસરા

વિધવા ભાગ-8 સમાજ અને સસરા

2 mins
693


(રાગ-સંગીત નાટક/ભવાઈની જેમ પઠન કરવાનું)


સમાજ પાસે ગયા સસરા

     ને કરી તેણે રજૂઆત,

વિચાર કરી જવાબ દેજો

     પે'લા સાંભળો મારી વાત,

     ભાઈ, સાંભળો મારી વાત !


દીકરો મારો થયો છે પાછો

     વિધવા બની એની નાર,

જો રાખું એને આવી રીતે તો

     બગડે એનો અવતાર,

     ભાઈ, બગડે એનો અવતાર !


એટલે આત્‍મા કઠણ કરી

     મેં કર્યો છે એક વિચાર,

દીકરી મારી એને બનાવી

     પરણાવું નમણી નાર,

     ભાઈ, પરણાવું નમણી નાર !


છી છી કરી સરપંચ બોલ્‍યા

     શો આવી ગયો કળિયુગ !

કુબુદ્ધિ સૂઝી છે ડોસલાને

     વહુનો બગાડશે ભવ

         ભાઈ, વહુનો બગાડશે ભવ !


ભગવાનનો જો કોપ થશે

     આપશે ખાવાનું નૈ ટંક,

મારે આવી વાતમાં પડીને

     નથી લેવું માથે કલંક,

    ભાઈ, નથી લેવું માથે કલંક !


આજીજી કરી સસરા બોલ્‍યા

     ન બોલો વગર વિચારે,

દુઃખી કરી એક વિધવાને

     શું મેળવવું છે તમારે !

     ભાઈ, શું મેળવવું છે તમારે !


પંચ પરમેશ્‍વરમાં માનું

     એટલે તમને પૂછું છું,

શું કરું છું હું કામ ખરાબ?

     વિધવાનાં આંસુ લૂછું છું,

     ભાઈ, વિધવાનાં આંસુ લૂછું છું !


છીંકારી ઉપસરપંચ વદ્યા,

     આવ્‍યો છે મોટો હરિશ્ચંદ્ર,

હળાહળ દુષ્‍કાળ પડશે

     જો પાપથી રૂઠશે ઈંદ્ર,

     ભાઈ, આ પાપથી રૂઠશે ઈંદ્ર !


કાળમુખા ધરા પર થાય

     તો ધરાનો થાય પ્રલય,

સમજતો નથી આ ડોસલો

     કરે છે પાપ જાતી વય,

      ભાઈ, કરે છે પાપ જાતી વય !


સમજું છું હું બધું સમજું

     એમ જલ્‍દી બોલ્‍યા સસરા,

નથી માત્ર તમે સમજતાં

     તેથી ધ્રુજી જાય છે ધરા

          ભાઈ, ધ્રુજી જાય છે ધરા !


આ સમાજ આવડો બેઠો છે

     કોઈક તો આવો આગળ,

વિધવાનાં આંસુ લૂછવામાં

     શીદને ભાગો છો પાછળ?

     ભાઈ, શીદને ભાગો છો પાછળ?


વાત તો સાચી છે આ ડોસાની

     એમ મંત્રીશ્રી બોલી ઊઠયા,

ડોસાના કામમાં સાથ દેવા

     શીદને તમે આજ રૂઠયા?

     ભાઈ, શીદને તમે આજ રૂઠયા?


યુવાન છે ત્‍યાં વિધવા બની

     છે સંસાર જોવાનો બાકી,

સુખ આડે એનાં શીદ આવો,

     વિચાર ધરાવો છો વાસી,

     ભાઈ, વિચાર ધરાવો છો વાસી !


હસી કોટવાળ ઊભા થયા

     આ મંત્રીની વાત છે સાચી,

પરણાવવામાં વાંધો નથી

     હજુ ઉંમરેય છે કાચી,

     ભાઈ, હજુ ઉંમરેય છે કાચી !


સરપંચે હવે ટાપસી પૂરી

     વાત સમજમાં છે આવી,

સુખી કરશું હવે વિધવાને

     સૌ સાથે મળી પરણાવી,

     ભાઈ, સૌ સાથે મળી પરણાવી !

  


Rate this content
Log in