ઉપેક્ષા
ઉપેક્ષા
ફરી એકવાર એણે આપેલું સ્મિત લીધું પાછું
એને કહેવાનું હોય શું ઝાઝું
પહેલીવાર જ્યારે ઘટના બની
ત્યારે શ્વાસોશ્વાસમાં વધઘટ નોંધાઈ
પછી શિખર ઉપરથી ગબડી પડયા
ને ઘેરઘેર અફવા ફેલાઈ
હવે વાતે વાતે એને રોજરોજ લાગે છે માઠું
ફરી એકવાર એણે આપેલું સ્મિત લીધું પાછું
મૌનનો દરવાજો અંદરથી બંધ કરી
બારીએથી જોતી એ આંખ
પિંજરામાં પૂરીને આભને દેખાડતી
કરતી એ એવી મજાક
હવે એની પાસેથી શું માંગુ કહોને શું માંગુ?
ફરી એકવાર એણે આપેલું સ્મિત લીધું પાછું