નેતા
નેતા


નેતા થયો છે ભાઈ નેતા થયો છે,
ઘરના જ પ્રશ્નોમાં ગૂંચવાતો રોજ એ,
તોય ગામના પ્રશ્નોમાં થાય આગળ,
દારૂની ભઠ્ઠીની લોન જોઈએ છે તને?
ફકત અરજી લખી એ આપ કાગળ,
નીતિને મુલ્યોનો વિક્રેતા થયો છે,
નેતા થયો છે...
સમસ્યાના નામ પર સભાઓ ગજાવતો,
એના વિષયો તો ક્યાં કદી ખુટે?
જુઠા વચનોથી લોક ભલે કંટાળે,
એમ માઈક મળે તો કદી છુટે?
ગપગોળાની તો જાણે જનેતા થયો છે,
નેતા થયો છે...
ઈંટનો જવાબ આપશું ખંજરથી,
એવી રાડો કરે છે બેઠો દિલ્લીથી,
છાની આ વાત ફક્ત તમને જ કહું છું,
રાતે ડરેછે એ માત્ર કાળી બિલ્લીથી,
બચ્ચનથી મોટો અભિનેતા થયો છે,
નેતા થયો છે...
આવો તો મોકો મળશે નહિ રોજરોજ,
એમ માની દેશને બેય હાથે લુંટે,
કરેલું ભોગવે છે લોકો જ ભાઈ મારા,
આવા નક્કામા નેતા ને જ ચુંટે,
લોકોની અક્કલ પર વિજેતા થયો છે.
નેતા થયો છે...