પ્રતીક્ષા
પ્રતીક્ષા
જાઉં બા’ર તો શ્રાવણ ભીંજવે, ભીતર ભીંજવે તું,
સાજન મારા કહે મને તું, મારે કરવું શું?
ઘટનાઓ વીતેલી એની માળા ગુંથી રાખી,
એક એક મોતીમાં સાજન, કરી પ્રેમની ઝાંખી.
ઘણું ઘણું કે’વું તું સાજન, ઘણું ઘણું લખવું તું
(પણ) ભીંજાયેલા કાગળ પર મારે લખવું શું?
હરદમ તું હૈયાની પાસે તોય એકલતા ડંખે,
શ્વાસ શ્વાસના ધબકારાઓ તને પામવા ઝંખે.
ઘણું ઘણું કે’વું તું સાજન, ઘણું ઘણું લખવું'તું,
(પણ) ભીંજાયેલા કાગળ પર મારે લખવું શું?
કઈ કેટલીવાર સુણ્યા છે પગલાંનાં ધબકાર,
ને દોડીને ઝટપટ ખોલ્યા બંધ થયેલા દ્વાર.
રાહ નીખરતી આજ ઉભી છુ એજ તને લખવું’તું
(પણ) ભીંજાયેલા કાગળ પર મારે લખવું શું?