જેવાં-તેવાં
જેવાં-તેવાં


જેવાં છીએ તેવાં છીએ; જેવાં-તેવાં જેવાં છીએ;
તમને ક્યાં છે જાણ સજનવા; નિત ટપકતાં નેવાં છીએ.
ઝાંખાંપાંખાં અજવાળામાં કંડારી કંઈ કેડી નમણી;
પગલે પગલે છાપ પડે એ શિલ્પ ગણો તો તેવાં છીએ.
કલ્પી જોયું રૂપ અનોખું કાયમનાં આ રમણ-ભ્રમણમાં;
દાહ ન લાગે; વાહ ન માંગે ઝળહળ દીવા એવા છીએ.
અલખધણીની ઓળખ ક્યાં છે; અમે ફકત છે પગલાં જોયાં;
પગલાં ફરતે ફૂલ સજાવી; ખુદને પૂછ્યું : કેવા છીએ ?
પરમ પુનિતા આંસું સાથે વ્યક્ત છતાં પણ અશબ્દ રહેતી;
પ્રેમ પ્રભાવક પાવક પળની નિશુલ્ક શાશ્વતસેવા છીએ !