ભોળાનાથની જાન
ભોળાનાથની જાન
આવ્યા છે દેશ વિદેશથી, ભૂતડાઓ તમામ
આમંત્રણ પામી ભેગા થયા બધા કૈલાશ ધામ
નથી અમુકનાં ધડ અને અમુકને નથી માથા
શિવજીની સ્તુતિ છતા બધા હોંશેથી ગાતા
શ્રીંગી ભીંગી નંદી બધા ગણો થઈ ગયા તૈયાર
આવકારવા બધા દેવોને જાનમાં બહાર
અંગે ભભૂત ગળામાં સાપનો હારલો છે
હાથમાં ત્રિશુળ જટામાં ગંગા અને ચંન્દ્ર તારલો છે
વિષ્ણુ બ્રહ્મા ઇન્દ્ર આવી વધાવે છે મહાદેવને
વરરાજાની વિધીઓ સુશોભિત કરે મહાદેવને
નંદી પર સવાર ભોળિયો લાગે નંદિશ્વર
જાણીએ બધા તે તો છે દેવોનાં દેવ ઈશ્વર
ધતુરા ભાંગની રેલમછેલ છે, બધાને ગેલ છે
નાચે જાણે ખરાખરીનો ખેલ છે, અમારો દેવ છે
શંખ નગારા દૂંદુભીનાં નાદ થાય છે
ભોળિયાની વાજતે-ગાજતે જાન જાય છે
છે જાનૈયામાં તમામ પ્રકારના દેવો
દાદાની જાનમાં અવસર પરિણમ્યો કેવો
પુષ્પો ભભુતી અને ચંદનનો વરસાદ છે
બધાનાં મોઢે હર હર મહાદેવનો નાદ છે
આંગણે યક્ષનાં પહોંચવા જાનની તૈયારી હવે
કરો સામૈયા તૈયાર આવી શિવની સવારી હવે
વલણ
જાન જોડાણી શિવની, કેવી અદ્ભૂત ઘટનારે
શોખીન તારા શબ્દોમાં વંદન શિવનું આખ્યાનરે
થયા સામૈયા શિવનાં તૈયાર યક્ષનાં આંગણે
પોંખવા સાસુ આવ્યા હવે મહેલનાં પ્રાંગણે
જોઈ ભભૂતધારી સપધારી ગંગધારી અઘોરી
સાસુને ચડી મુરછા બધાએ બનાવી દુરી
વ્યથા ચિંતા સાસુ સસરાને કોરી ખાય
દીકરી મારી સાધુ સાથે તો દુઃખી જ થાય
ક્યાં મહેલમાં સચવાઈને મોટા થયેલ પાર્વતી
ક્યાં રાખમાં રમતા સપોનાં ભારા પર શિવજી
ના સમજી શક્યા લીલા કોઈ શંકરની
કરી વિનંતી માઁ ઉમાએ સઁકેલો લીલા મંતરની
આવ્યા વિશ્વકર્મા, સજાવ્યા શંભુનાથને
રીઝવવા સાસુ અને સસરા તણી વાતને
લાગે મારો ભોળિયો જાણે વિશ્વનો સ્વામી
તેનાં જેવું નથી કોઈ અહીંયા બીજું નામી
મળ્યો સંતોષ સાસુ-સસરાને જોઈ શિવને વરરાજા
ફરકવ્યા બધાએ શિવ-પાર્વતી પર પુષ્પો તાજા
વાજતે ગાજતે થયા સંપન્ન ઓમકારના વિવાહ
સંસારનો ચાલ્યો પછી વિધિસર પ્રવાહ
વલણ
બસ શિવ આપજો સુખ બધાને તમામરે
ગાય અને ઉજવે જે હોંશે તમારી જાનરે.