વાતો કરશું
વાતો કરશું
અંધારાને ઓઢી ઉજળી રાતો કરશું,
ઉજાગરા વેઠીને સઘળી વાતો કરશું.
ભીતર ધરબાયેલા સઘળાં મૌનને તોડી,
સ્નેહલ ધારે શબ્દ સૂરમાં ગાતો કરશું.
વાયુ વેગે દોડી આવે જો, તું ફળિયે;
મોર - બપૈયા જેવો મીઠો નાતો કરશું.
આંખલડી તલસે છે તારું મુખડું જોવા,
સરવર કાંઠે જઈને મુલાકાતો કરશું.
મોરપીંછના રંગે હું રંગાણી કાન્હા,
ભગવા રંગે ઝીણી ઝીણી ભાતો કરશું.